Menu

ગીતશાસ્ત્ર 90

IRV

1 હે ઈશ્વર, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો. 2 પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો. 3 તમે મનુષ્યોને ધૂળમાં પાછા મેળવી દો છો અને તમે કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો." 4 કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે અને રાતના એક પહોર જેવાં છે. 5 તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે. 6 તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે. 7 ખરેખર, તમારા કોપથી અમારો નાશ થાય છે અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે. 8 તમે અમારા અન્યાય તમારી સમક્ષ, અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યાં છે. 9 તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; નિસાસાની જેમ અમે અમારા વર્ષો પૂરાં કરીએ છીએ. 10 અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય; પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ:ખમાત્ર છે. હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ. 11 તમારા ક્રોધના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે? 12 તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય. 13 હે યહોવાહ, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો. 14 સવારે અમને તમારી કૃપાથી ભરી દો, કે જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ. 15 જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો. 16 તમારા સેવકોને તમારાં કૃત્યો અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ. 17 અમારા પર અમારા પ્રભુ ઈશ્વરની કૃપા થાઓ; તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate